• ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
  • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
  • પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
  • ભક્તિ માં બાળક, કર્મ માં યુવાન અને જ્ઞાન માં વૃદ્ધ બનો.

Friday, January 14, 2011

પ્રાર્થના ચિઠ્ઠી..એક શિક્ષકની વેદના..એક બાળકની કલમે…

પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે
મુ.આકાશ.


પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારઈ ભવ્યમંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.
મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’
એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે
મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.
મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!


પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર
આરસ પહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,
આ મને સમજાતુ નથી…!


પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે
મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?


પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!
સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!


પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે ! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા મા-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું. વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…! જલ્દી કરજે ભગવાન. સમય બહું ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ…!


લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌.

2 comments :